ગુજરાતના કથિત સુરક્ષિત કહેવાતા શહેર અમદાવાદમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી છે. બુધવારે (8 ઓક્ટોબર) અસરવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અને રાણીપ વિસ્તારમાંથી આ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે. શહેરના રાણીપ વિસ્તારમાં જન્મદિવસે જ નરેશ ઠાકોર (રહે-કાળીગામ) નામના યુવકની બર્થડે સેલિબ્રેશન દરમિયાન હત્યા કરી દેવાતા ચકચાર મચી છે.

તો બીજી તરફ અસારવા સિવિલના ગેટ પાસે સામાન્ય બાબતે અન્ય એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હુમલો આરોપી ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણ શખસોએ સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. પોલીસે હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
