ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંને પોતાનું રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન લેકોર્નુનો કાર્યકાળ ફક્ત 27 દિવસનો જ રહ્યો, જે ફ્રાન્સના ઇતિહાસમાં સૌથી ઓછા સમયનો કાર્યકાળ સાબિત થયો છે.લેકોર્નુંએ પોતાના નવા પ્રધાનમંડળની જાહેરાત કર્યાંના કલાકોમાં જ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવાની આંચકાજનક જાહેરાત કરતાંની સાથે ફ્રાન્સ ફરી એકવાર રાજકીય કટોકટીની ગર્તામાં સરી પડયું છે.
બે વર્ષથી ઓછાં સમયગાળામાં પાંચ વડાપ્રધાનમાંથી એક પણ વડા પ્રધાન સ્થિર બહુમતિ પ્રાપ્ત ન કરી શકતાં પ્રમુખ ઇમાન્યુએલ મૈક્રોં માટે હવે ઝાઝાં વિકલ્પો રહ્યાં નથી. બીજી તરફ સરકારના કરકસરના પગલાંંઓ સામે લોકોમાં સતત રોષ વધી રહ્યો છે. 9મી સપ્ટેમ્બરે વડાપ્રધાન પદે નિયુક્ત થયેલા લેકોર્નુને મંત્રીમંડળના સભ્યોની જાહેરાત કરતા જ પોતાની પાર્ટી અને વિપક્ષો તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.હકીકતમાં, 18 સભ્યોના મંત્રીમંડળમાં 12 ચહેરા પહેલાની સરકારના જ હતા, જેનાથી અસંતોષની આગ ભડકી ઊઠી હતી.
