SOGએ થોડા સમય અગાઉ અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ટ્રાફિક પોલીસ જવાનની સંડોવણી સામે આવતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.
સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સહદેવસિંહ ગોવિંદસિંહ ચૌહાણે થાઈલેન્ડથી હાઇબ્રીડ ગાંજો લાવ્યો હોવાની સંભાવના છે.
એસઓજીને તેના પાસપોર્ટમાં થાઈલેન્ડ પ્રવાસની એન્ટ્રી મળી આવી છે, જેની વધુ તપાસ હાથ ધરાઈ છે.ગાંજો સહદેવસિંહ નામના પોલીસકર્મી દ્વારા આપવામાં આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. જેના પગલે પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.
બે આરોપીની તપાસમાં ખુલાસો
એસઓજીએ રખિયાલ ધરણીધર એસ્ટેટ વિસ્તારમાંથી રૂ. 50 લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજા સાથે પ્રતિક કુમાવત અને રવિ પટેલને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ સ્વીકાર્યું હતું કે તેઓએ આ ગાંજો એક પોલીસકર્મી પાસેથી મેળવ્યો હતો. તપાસમાં ખૂલ્યું કે બંને યુવકોને ગાંજો આપનાર વ્યક્તિ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા સહદેવસિંહ ચૌહાણ હતો.
