અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. અમેરિકામાં ગુજરાતીઓની હત્યાના વધુ એક ચોંકાવનારા કિસ્સામાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા આશરે 50 વર્ષીય રાકેશભાઈ ધીરુભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યાં હત્યાના બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ છેલ્લા ઘણાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને મોટેલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 ઓક્ટોબરના રોજ રાકેશ પટેલ તેમની મોટેલ બહાર ઊભા હતા, ત્યારે કસ્ટમર તરીકે આવેલા એક શખ્સે તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં રાકેશનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
