ગણેશ ઉત્સવનો ગઈકાલે એટલે કે શનિવારે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી.
અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિતના મોટા શહેરોમાં ગણેશ ઉત્સવને લઈને વ્યાપક અને ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.વિસર્જન માટેના તમામ દરિયા કિનારાઓ, તળાવો અને ખાસ કરીને તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવો ખાતે વહીવટીતંત્રે કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
મુંબઈથી લઈ ગુજરાતમાં સુરત, હૈદરાબાદ વગેરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં લાખો ભક્તો અબીલ-ગુલાલના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં 6,500 મોટા મંડળ અને 1.75 લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.