અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર 50 ટકા ટેરિફનો બોમ્બ ફોડ્યા બાદ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. તાજેતરમાં, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રશિયાની મુલાકાત લીધી હતી. તેઓ મોસ્કોમાં રશિયન પ્રમુખ પુતિન સહિત અન્ય ટોચના નેતાઓને મળ્યા હતા. ત્યારે ટૂંક સમયમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર પણ રશિયાની મુલાકાત લેશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા, રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે- 21 ઓગસ્ટના રોજ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ મોસ્કોમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાતચીત કરશે. બંને મંત્રીઓ અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિના મુખ્ય મુદ્દાઓ તેમજ આંતરરાષ્ટ્રીય માળખામાં સહયોગના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરશે. આ સાથે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. આવી સ્થિતિમાં, બંને નેતાઓની બેઠકમાં પુતિનની મુલાકાતની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે.