અમેરિકા દ્વારા વિશ્વભરના દેશ પર લાદવામાં આવેલા ટેરિફને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેની વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. આ માહિતી આપતાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ગુરૂવારે મોસ્કોમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ પુતિનની ભારતની મુલાકાત વિષે મારે અને રશિયન સિક્યુરિટી કાઉન્સીલના સેક્રેટરી સર્જી શોઇગુ સાથે વાત થઇ હતી. તેઓએ આગળ કહ્યું કે તે મુલાકાતની તારીખો હજી હવે નિશ્ચિત થશે પરંતુ તેથી દિલ્હીમાં ઉત્સાહ અને આનંદ વ્યાપી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે પ્રમુખ પુતિનની તે મુલાકાત પરિવર્તનકારી બની રહેશે.
ડોભાલે રશિયન સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ સાથેની મુલાકાતમાં કહ્યું – “હવે આપણી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. આપણા દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે અને અમે ઉચ્ચ સ્તરે વાત કરીએ છીએ.” બીજીબાજુ ભારત પર અમેરિકા ટેરિફ લગાવી દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદીને લઈને નારાજ થઈને ભારત પર ટેરિફ 50 ટકા વધારી દીધો છે. પહેલા સમાચાર મળ્યા હતા કે રાષ્ટ્રપતિ પુતિન ઓગસ્ટના અંતમાં ભારતનો પ્રવાસ કરશે, જો કે બાદમાં માહિતી મળી કે પુતિન 2025ના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. તેની વચ્ચે રશિયન પ્રમુખની ભારતની મુલાકાત મહત્વની બની રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને દેશો વચ્ચે અમેરિકાને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.
