ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામે અત્યંત રસાકસીવાળી છેલ્લી ટેસ્ટમાં ઐતિહાસિક અને અવિસ્મરણીય જીત મેળવીને સિરીઝ 2-2થી ડ્રો કરાવી હતી. ભારતીય બોલર્સે બ્રિટિશ બૅટ્સમેનને જીતની નજીક પહોંચ્યા પછી પણ નહોતા જીતવા દીધા અને તેમના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ મેચ 6 રનથી જીતી. મેચમાં, ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ છેલ્લા દિવસના પહેલા સત્રમાં તેની બીજી ઇનિંગમાં 367 રનમાં જ સમેટાઈ ગઈ. રનની દ્રષ્ટિએ આ ભારતની સૌથી નજીવા અંતરની ટેસ્ટ જીત હતી.
આ જીત સાથે, ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી 2-2થી બરાબર કરી.પ્લેયર ઓફ ધ મેચ’ મોહમ્મદ સિરાજે ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેણે બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ મોહમ્મદ સિરાજને સારો સાથ આપ્યો હતો અને બીજી ઇનિંગમાં ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. સિરાજ અને કૃષ્ણાએ પ્રથમ ઇનિંગમાં પણ ચાર-ચાર વિકેટ લીધી હતી. એટલે કે, સિરાજે મેચમાં 9 અને કૃષ્ણાએ 8 વિકેટ લીધી હતી. આકાશ દીપને બાકીની બે વિકેટ મળી હતી.