નાનખટાઈ ફિલ્મના કલાકારોએ ટાફ આયોજિત ‘ફટાફટી’ શોમાં આપી હાજરી

Chintan Suthar

આવવું સહેલું છે, પણ આવતાં રહેવું અઘરું છે…” આ પ્રભાવશાળી સંવાદ ટૂંક સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “નાનખટાઈ” નો છે, જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગતરાત્રે અમદાવાદના સિંધુભવન સ્થિત ટી-પોસ્ટ એમ્ફીથિયેટરમાં ફિલ્મ પ્રમોશન માટેનોનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાફ ગ્રુપના લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડી શો ‘ફટાફટી’ અને “નાનખટાઈ”ની સ્ટારકાસ્ટ વચ્ચે એક અનોખો સંવાદસેતુનું આયોજન કરાયું હતું. જેમાં ટાફ ગ્રુપ તરફથી જાણીતા હાસ્યલેખક અને કલાકારો વિનય દવે તથા યોગેશ જીવરાણી એ પોતાનો વિશિષ્ટ હાસ્યસભર અંદાજમાં નાનખટાઈ ફિલ્મના કલાકારો સાથે ખાસ વાતચીત કરી હતી.ફિલ્મના કલાકારોમાં ઈશા કંસારા, મિત્ર ગઢવી, દીપ વૈદ્ય, તત્સત મુનશી હાજર રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર પ્રીત ગોહિલ અને નિર્માતા હ્રદય તથા ગૌરવ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સાહિત્ય જગતના જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમના હાસ્ય રસને વધુ ખીલવવા માટે સૃજલ દોશી, સુનિલ કુમાર, કમલેશ “KD” દરજી અને સૂરજ બરાલીયા જેવા જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન્સે રમુજી પર્ફોર્મન્સ આપ્યાં. મંચ સંચાલનનું કામ જાણીતા કવિ તાહા મન્સૂરી એ નિભાવ્યું હતું તેમની અનોખી છટા દર્શકોના હ્રદયમાં ઊતરી ગઈ હતી. આ કાર્યક્રમનું આયોજન ટાફ ગ્રુપ ના એડમિન તન્મય શેઠની આગેવાનીમાં ટાફ અને ‘મર્કટ બ્રોસ’ દ્વારા કરવામાં આવ્યું હતું. ટિ-પોસ્ટનું રંગત એમ્ફીથિયેટર દર્શકોથી ભરાઈ ગયું હતું — કેટલાયે દર્શકોને ઊભા રહીને પણ કાર્યક્રમ માણવો પડ્યો હતો. ૩૦૦ કરતાં પણ વધારે દર્શકો હાજર રહ્યાં હતાં.‌

કાર્યક્રમના અંતે, અમદાવાદની જાણીતી “રાજકમલ બેકરી” તરફથી ‘નાનખટાઈ’ મીઠાઇના બોક્સ ફિલ્મની સ્ટારકાસ્ટ અને દરેક પર્ફોર્મિંગ કલાકારને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, ફ્લેવર સાથે હાસ્ય અને સંવાદનો સુંદર સંગમ સર્જાયો. વિશેષ ઉલ્લેખનીય છે કે “નાનખટાઈ” ફિલ્મમાં ત્રણ જુદી જુદી યુગલોની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં હિતેન કુમાર, દિક્ષા જોશી, તર્જની, મયુર ચૌહાણ સહિત અનેક પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ છે. ફિલ્મનું સંગીત સિદ્ધાર્થ ભાવસાર દ્વારા રચાયું છે. આ ભાવસભર ફિલ્મ 8 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તેને લઈને ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ થિયેટરોમાં જઈને જોવા માટે દર્શકોને અપીલ કરી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *