ધો.12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETનું પરિણામ જાહેર થયા બાદ હાલમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે NEET UG 2024 (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અંડરગ્રેજ્યુએટ) પરીક્ષાને લઈને આ વર્ષે ઘણા વિવાદો ચાલી રહ્યા છે, જેણે દેશભરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકીય વર્તુળોમાં ભારે ચિંતા ઊભી કરી છે.
નીટના પરિણામમાં ગત વર્ષે છબરડા બાદ આ વર્ષે પણ છબરડાની ફરિયાદો ઉઠી છે. અગાઉ અમદાવાદની એક વિદ્યાર્થિનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ બાદ વઘુ બેથી ત્રણ વિદ્યાર્થીઓના માર્કસમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. ભૂજના માધાપરના વિદ્યાર્થી ભવ્ય મકવાણાને ચાર અલગ અલગ માર્ક્સ દર્શાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ ચાર વખત માર્કશીટ ડાઉનલોડ કરી તો ચારેય વખત અલગ અલગ માર્ક્સ દર્શાવવામાં આવ્યા હતા. આ મુદ્દે વાલીઓ દ્વારા આગામી દિવસોમાં કોર્ટનો આશરો લેવાની તૈયારી શરૂ કરી છે.
વિદ્યાર્થીના પિતાએ કરેલી ફરિયાદ મુજબ રિઝલ્ટના દિવસે ઓનલાઈન પરિણામ ચેક કરાતા 720માંથી 415 માર્કસ હતા અને કાઉન્સેલિંગ સમયે 115 માર્કસ ઓનલાઈન દેખાતા અને બે દિવસ પહેલા ચેક કરતા 720માંથી 500 માર્કસ હતા અને હવે 550 માર્કસ છે. આમ ચારેય જુદા જુદા માર્કસ સાથેની ઓનલાઈ માર્કશીટ ડાઉનલોડ થઈ છે. જો ખરેખર આ રીતે માર્કસ બદલાતા હોય તો ખરેખર આ કોઈ મોટો છબરડો કે ગોટાળો હોવાની પણ ચર્ચા છે.