ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા જાણે આરામ મોડ ઉપર આવી ગયા છે. વરસાદની આગાહી વચ્ચે પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 33 જિલ્લાના 120 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપીના કુકારમુંડા તાલુકામાં 2.40 ઇંચ તથા નિઝરમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.
જોકે, હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે જેની ગુજરાતને અસર થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં મધ્યમ વરસાદની સંભાવના છે.