સાબરમતી પોલીસની પ્રશંસનીય કામગીરી, મંદિરમાં ચોરી કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા

Chintan Gohil

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ચોરી-લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા ગુનેગારો સામે ગુજરાત પોલીસે પણ લાલઆંખ કરી છે. ત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં મંદિરોને ટાર્ગેટ કરી ચોરી કરનાર ગેંગના બે સાગરિતોને સાબરમતી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસે કુલ 3,33,750 રૂપિયાના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સાબરમતી પોલીસે ન્યુ રાણીપમાં આવેલા મંદિરમાંથી ચોરી કરવામાં આવેલા સોનાના છત્તરને જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ તેના અન્ય સાગરિત સાથે મળીને ગુગલ મેપથી તેમજ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા હોય ત્યારે ત્યાં દર્શન કરવાના બહાને જઇને રેકી કરીને સોનાના દાગીનાની ચોરી કરતા હતા. આરોપીઓની ૧૪થી વધારે મંદિર ચોરીના કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના ન્યુ રાણીપમાં આવેલ એક મંદિરમાં સોનાના છત્તરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી.

જે બાદ સાબરમતી પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ ચેક કરી મંદિરમાં ચોરી કરનાર ગેંગ અંગે માહિતી એકત્રિત કરી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ એચએન પટેલ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે ભરત સોની (નરોડા) અને અતુલ સોની (નિકોલ)ને ચોરી કરાયેલ સોનાના છત્તર સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને પાર્થેશ ત્રિવેદી (નરોડા)ની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. પાર્થેશ વિવિધ શહેરોમાં આવેલી સોસાયટીઓમાં આવેલ મંદિરોમાં દર્શન કરવાના બહાને કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા પ્રસંગમાં હાજર રહીને રેકી કરતો હતો. સાથે સાથે મંદિરના લોકેશન જાણા માટે તે ગુગલ મેપનો પણ ઉપયોગ કરતો હતો. હાલ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી પાર્થેશ ત્રિવેદીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *