અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના નારણપુરાના અંજલી ક્રોસ રોડ પાસે મહિલા કાર ચાલકે બાઈક પર સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ બંન્ને યુવાન ગીરસોમનાથના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં મોતને ભેટેલ યુવકની ઓળખ 20 વર્ષીય આર્યન બારડ તરીકે થઈ છે. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. કારના નંબર પરથી તેના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાતે શહેરના નારણપુરાના અંજલિ ક્રોસ રોડ નજીક હીટ એન્ડ રન થયો છે. જેમાં મહિલા કાર ચાલકે બાઈક પર સવાર બે યુવકોને અડફેટે લીધા હતા. આ સફેદ રંગની ક્રેટા કારનો નંબર GJ01 WF 8540 છે. અક્સ્માત બાદ મહિલા કાર છોડીને ફરાર થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, આ બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યુ છે. ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા. અકસ્માતમાં આર્યન બારડનું મોત થયુ છે. જ્યારે બ્રિજેશ ડોડીયા ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે ફરાર કાર ચાલક મહિલાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.