રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઉચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. આવતીકાલથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છુટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ગરમી વચ્ચે વરસાદની આગાહીને કારણે લોકોને થોડોક રાહતનો અનુભવ થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે, 2026 સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે. IMD અનુસાર, આ તારીખ 22 મે અને 26 મે વચ્ચેની આવી શકે છે, કારણ કે આ આગાહીઓ 4 દિવસમાં ફેરફાર થઇ શકે છે.

