કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ ભાષા શિક્ષણમાં મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં ‘3 લૅન્ગ્વેજ ફોર્મ્યુલા’ અમલમાં મુકવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓને હવે ત્રણ ભાષાઓ ભણવી ફરજીયાત બનશે. અત્યાર સુધી મોટા ભાગે વિદ્યાર્થીઓ બે ભાષાઓ સુધી મર્યાદિત હતા, પરંતુ નવા માળખા હેઠળ ભાષા શિક્ષણને વધુ વ્યાપક અને સંતુલિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
CBSEએ આ માટે R1, R2 અને R3 એમ ત્રણ કેટેગરીમાં ભાષાઓને વહેંચી છે. R1 એટલે વિદ્યાર્થીની મુખ્ય ભાષા, જેમાં તે સૌથી વધુ પારંગત હોય છે – જેમ કે ગુજરાતી. આ ભાષા ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે. R2 બીજી ભાષા છે, જે સ્ટાન્ડર્ડ લેવલે ભણાવવામાં આવશે. જ્યારે R3 તરીકે ત્રીજી ભાષા ફરજીયાત બનાવવામાં આવી છે, જેનો અભ્યાસ ધોરણ 6થી શરૂ કરાશે.
આ ફેરફારના કારણે હવે વિદ્યાર્થીઓ માત્ર હિન્દી અને અંગ્રેજી વિષયો ભણીને ધોરણ-10 પાસ નહીં કરી શકે. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી રાખવા માંગે છે તો તેણે તેની સાથે અન્ય બે ભારતીય ભાષાઓ (જેમ કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કે મરાઠી) ફરજિયાતપણે પસંદ કરવી પડશે. આ પગલાથી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓનું મહત્વ વધશે. જોકે આ ફેરફાર વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધારશે કે તેમની ક્ષમતાઓમાં વધારો કરશે, તે તો આગામી શૈક્ષણિક સત્રોમાં આ નીતિના અમીલકરણ બાદ જ ખબર પડશે.

