ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોચિત પહેલરૂપે Concept of Living Charitable Trust દ્વારા “સુરક્ષિત ભારત મિશન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મિશન સંસ્થાની સ્થાપક Monali Sutharના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ થયું છે.
દેશમાં બાળકો સામે થતા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલો અનુસાર દર વર્ષે લાખો કેસ નોંધાય છે, જ્યારે વિવિધ અભ્યાસો દર્શાવે છે કે 50%થી વધુ બાળકો જીવનના કોઈને કોઈ તબક્કે શોષણનો ભોગ બને છે. વધુ ચિંતાજનક વાત એ છે કે મોટા ભાગના કેસોમાં આરોપી વ્યક્તિ બાળકોને ઓળખીતા હોય છે, જેના કારણે બાળકો ઘણીવાર ડર કે શરમના કારણે મૌન રહે છે. આવી પરિસ્થિતિમાં જાગૃતિ, યોગ્ય શિક્ષણ અને સમયસર માર્ગદર્શન જ સૌથી અસરકારક રક્ષણ બની શકે છે.
“Protecting Childhood, Empowering Women”ના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ “સુરક્ષિત ભારત મિશન” ગુજરાતના તમામ 263 તાલુકાઓ સુધી પહોંચવાનો દૃઢ સંકલ્પ ધરાવે છે. આ અભિયાનની શરૂઆત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાથી કરવામાં આવી છે અને આગળ વડોદરા, સુરત સહિતના જિલ્લાઓના તાલુકા અને ગામડાં સુધી તેને વિસ્તૃત કરવામાં આવશે.
મિશન અંતર્ગત શાળાઓમાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્ટાફને POCSO Act અંગે વિશેષ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકો સામેના શોષણના સંકેતો ઓળખી શકે અને યોગ્ય કાનૂની તથા માનસિક સહાય પૂરી પાડી શકે. ઉપરાંત ગામડાં અને શહેરોના સ્તરે બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે જાગૃતિ સત્રો, વર્કશોપ અને ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો યોજાશે, જેમાં “ગુડ ટચ – બેડ ટચ”, સાયબર સેફ્ટી અને આત્મસુરક્ષા જેવા મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવવામાં આવશે.
Concept of Living Charitable Trust છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં સક્રિય રીતે કાર્યરત છે અને 26 રાજ્યોમાં પોતાની મજબૂત હાજરી સાથે 2500થી વધુ પ્રશિક્ષિત ટ્રેનર્સની ટીમ ધરાવે છે. સંસ્થાએ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકો સુધી પહોંચી વિવિધ સામાજિક ટ્રેનિંગ કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે એમ્પેનલ થયેલી આ સંસ્થા વિશ્વસનીયતા, પારદર્શિતા અને પ્રભાવશાળી કામગીરી માટે ઓળખાય છે.
આ પ્રસંગે Monali Sutharએ જણાવ્યું હતું કે,
“સુરક્ષા દરેક બાળક અને મહિલાનો મૂળભૂત અધિકાર છે. આ અધિકાર સુધી દરેકને પહોંચાડવું સમાજની સંયુક્ત જવાબદારી છે. જ્યારે શિક્ષકો, માતા-પિતા અને બાળકો જાગૃત બને છે, ત્યારે જ સાચી અને દીર્ધકાલીન સુરક્ષા શક્ય બને છે.”
આ મિશનના અમલીકરણથી ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત વાતાવરણ મજબૂત બનશે, બાળકોમાં આત્મવિશ્વાસ અને સ્વરક્ષણની ભાવના વિકસશે અને મહિલાઓ વધુ સશક્ત બનશે. સાથે સાથે સમાજમાં શોષણ સામે અવાજ ઉઠાવવાની હિંમત અને સંવેદનશીલતા બંનેમાં વધારો થશે.
“સુરક્ષિત ભારત મિશન” માત્ર એક અભિયાન નહીં પરંતુ એક દીર્ધકાલીન સામાજિક પરિવર્તનની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. સંસ્થાએ તમામ વ્યક્તિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ અને કોર્પોરેટ સંસ્થાઓને આ મિશનમાં સ્વયંસેવક તરીકે જોડાવા અને સહયોગ આપવા અપીલ કરી છે.
