મહિલા સેનાધિકારીઓને સુપ્રીમ કોર્ટનો મોટો ન્યાય: હવે મળશે પેન્શનનો અધિકાર

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

દેશની સશસ્ત્ર દળોમાં સેવા આપનાર મહિલા અધિકારીઓ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે જે મહિલા શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓને કાયમી કમિશન (Permanent Commission) આપવામાં આવ્યું નહોતું, તેમને હવે પેન્શન સહિતના તમામ લાભ મળશે. આ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સૈન્યની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેનામાં શોર્ટ સર્વિસ કમિશન મહિલા અધિકારીઓને ખામીયુક્ત મૂલ્યાંકનના આધારે સ્થાયી કમિશનથી વંચિત રાખવામાં આવી હતી, પરંતુ તેઓ હવે સંપૂર્ણ પેન્શન લાભો મેળવવા માટે હકદાર છે.

કોર્ટએ પોતાના નિરીક્ષણમાં નોંધ્યું કે મહિલા અધિકારીઓના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (ACR) બનાવતી વખતે પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હતો. આમાં એવી ધારણા રાખવામાં આવી કે મહિલાઓને કાયમી કમિશન નહીં મળે, જેના કારણે તેમની કારકિર્દી અને મેરિટ પર નકારાત્મક અસર પડી.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે કાયમી કમિશનથી જે મહિલા અધિકારીઓને વંચિત રાખવામાં આવી છે તેને પણ પેન્શનના લાભ આપવામાં આવશે. જે માટે ૨૦ વર્ષની સેવા આપી હોવાના નિયમોનું પાલન થવું જરૂરી છે. જો કોઇ મહિલા અધિકારીને અગાઉ નિવૃત કરી દેવાયા હોય તો તેને પણ આ લાભ આપવો પડશે. સુપ્રીમ કોર્ટમાં વિન્ગ કમાન્ડર સુચેતા એડન અને અન્ય મહિલા અધિકારીઓ દ્વારા અનેક અરજીઓ કરવામાં આવી છે, આ તમામ મહિલા અધિકારીઓએ કાયમી કમિશનની માગણી કરી છે. પોતાના ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે મહિલા ઓફિસર્સ માટેના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સમાં એવી ધારણા બાંધી લેવાઇ છે કે મહિલા ઓફિસર્સમાં કેરિયર પ્રોગ્રેસ નહીં થાય. આ ધારણાને કારણે મહિલા અધિકારીઓના મેરિટ પર અસર થાય છે.

Share This Article