UNમાં પાકિસ્તાનનું રડવાનું ચાલુ! સિંધુ જળ સંધિ મુદ્દે ભારતનો કડક જવાબ – ‘આતંકવાદ બંધ કરો પછી જ ચર્ચા’

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ મુદ્દે તણાવ વધુ તેજ થયો છે. ભારત દ્વારા સંધિ સ્થગિત કર્યા પછી પાકિસ્તાન પાણી માટે તરસી રહ્યું છે અને હવે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી ગયો છે.તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ (UN)માં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન, પાકિસ્તાને ફરી એકવાર સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવી તેને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી. નોંધનીય છે કે આ બેઠકનો મુખ્ય વિષય પાણી અને સ્વચ્છતા હતો, છતાં પાકિસ્તાને પોતાનો એજ એજન્ડા આગળ ધપાવ્યો.

ભારતે પણ પાકિસ્તાનને તાત્કાલિક અને કડક જવાબ આપ્યો. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “સંધિઓની પવિત્રતાની વાત કરતા પહેલા પાકિસ્તાને માનવ જીવનની પવિત્રતાનું સન્માન કરવું જોઈએ.”

વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે ભારત હંમેશા જવાબદાર દેશ તરીકે વર્ત્યું છે, પરંતુ જવાબદારી બંને તરફથી હોવી જરૂરી છે. પાકિસ્તાને પોતાની નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો પડશે.

ભારતે ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. આ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હવે આતંકવાદ મુદ્દે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી અને પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધતું જઈ રહ્યું છે.

મહત્વનું છે કે, ભારતે વર્ષ 1960માં મિત્રતા અને સદભાવનાના ભાવ સાથે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાકિસ્તાને આ ભાવનાનો ભંગ કરીને ભારત પર ત્રણ યુદ્ધો અને હજારો આતંકી હુમલાઓ કર્યા છે. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

Share This Article