આજે ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે, આ ઓલરાઉન્ડરને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ સુપર-8 મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં ભારતનો 76 રને પરાજય થયો હતો, જે હાલની ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ હાર છે. જોકે, આ હાર કરતા પણ વધુ ચર્ચા ટીમની પ્લેઇંગ ઇલેવનમાં લેવાયેલા ચોંકાવનારા નિર્ણયની થઈ રહી છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.

ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે ગુરુવારે ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ભારત માટે સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ઝિમ્બાબ્વે સામે જીત મેળવવી અનિવાર્ય છે, પરંતુ તે પહેલાં સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે તે સમીકરણ પણ ભારત માટે અત્યંત મહત્ત્વનું છે. સાઉથ આફ્રિકા સામેની શરમજનક હાર બાદ હવે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે.ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી છે. શાસ્ત્રીનું માનવું છે કે ચેન્નાઈની પિચ પર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બંનેને સાથે રમાડવા જોઈએ. તેમના મતે, જો ટીમ પાસે 8 બેટર્સ હોવા છતાં મોટો સ્કોર ન થઈ શકે, તો કંઈક ગંભીર ખામી છે. અક્ષરની હાજરીથી ટીમને બેટિંગમાં ઊંડાણ મળશે અને બોલિંગમાં એક વધારાનો મજબૂત વિકલ્પ પણ મળી રહેશે.

તો બીજીબાજુ ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને અક્ષર પટેલને બહાર રાખવાના નિર્ણય સામે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા નારાજગી વ્યક્ત કરી છે. અશ્વિને જણાવ્યું કે, અક્ષર પટેલ ભારત માટે T20 ફોર્મેટમાં ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (MVP) રહ્યો છે. લેફ્ટી બેટ્સમેન સામે વોશિંગ્ટન સુંદરને રમાડવાની રણનીતિ યોગ્ય હોઈ શકે, પરંતુ અક્ષર પટેલ જેવા મેચ-વિનરના યોગદાનને નજરઅંદાજ કરવાનું ટીમને ભારે પડ્યું છે. અશ્વિને જૂની યાદો તાજી કરતા કહ્યું કે, મુશ્કેલ સમયે અક્ષરે હંમેશાં બેટિંગ અને બોલિંગ કરી બંને બાજુથી ટીમ માટે કમાલ કરે છે.

Share This Article