LJIMC દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ‘Cineverse 2026’નું ભવ્ય સમાપન

Chintan Suthar

એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશન (LJIMC) દ્વારા ગત 6 ફેબ્રુઆરીના રોજ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ‘Cineverse 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોનીએ જણાવ્યું હતું કે, ફેસ્ટિવલની આ પ્રથમ આવૃત્તિની થીમ ‘Going Beyond: Breaking Barriers’ રાખવામાં આવી હતી. આ મહોત્સવમાં કોલકાતા, હૈદરાબાદ, પુણે, મુંબઈ, નોઈડા, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાંથી પસંદગી પામેલી કુલ 37 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાંથી મળેલી 40 જેટલી એન્ટ્રીઓમાં ફિક્શન, નોન-ફિક્શન, એનિમેશન અને AI ફિલ્મોનો સમાવેશ થતો હતો. સામાજિક મુદ્દાઓ જેવા કે સ્ત્રી સશક્તિકરણ, માનસિક સ્વાસ્થ્ય, વુમન સેફ્ટી, અને શિક્ષણ તેમજ આજના સમયમાં માનવીય સંબંધોની જટિલતા અને મર્ડર મિસ્ટ્રી જેવા વિષયો પર યુવા ફિલ્મમેકર્સે પોતાની કલા કૌશલ્ય દર્શાવ્યું હતું. આ સ્પર્ધામાં સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી, MSU બરોડા અને સેવા એકેડમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ફેસ્ટિવલના ભાગરૂપે યોજાયેલા માસ્ટર ક્લાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ‘સ્ત્રી 2’ અને ‘બાલા’ જેવી ફિલ્મોના જાણીતા લેખક નિરેન ભટ્ટ દ્વારા 4 ફેબ્રુઆરીએ ઓનલાઇન ફિલ્મ રાઈટિંગ માસ્ટર ક્લાસ યોજાયો હતો અને ‘સત્યમેવ જયતે’ ફેમ સિનેમેટોગ્રાફર શાંતિભૂષણ રોય દ્વારા 6 ફેબ્રુઆરીએ ઓફલાઇન વિડિયોગ્રાફી વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમણે કેમેરાના ઉપયોગ દ્વારા પ્રભાવશાળી વાર્તા કેવી રીતે કહેવી તેનું પ્રાયોગિક જ્ઞાન આપ્યું હતું.

ફિલ્મ નિર્માણ અને સ્ટોરી ટેલિંગ ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે એલ.જે.કે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. મનીષ શાહ દ્વારા ₹1,00,000 ના ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી.

ઇવેન્ટના અંતે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. વિરલ શાહ અને વાઇસ ચાન્સેલર ડૉ. દિનેશ અવસ્થીના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓની યાદીમાં, બેસ્ટ ડીઓપી (DOP) તરીકે નિયતિ શાહ (રાડે), શ્રેષ્ઠ એડિટર તરીકે ચિંતન, દિવિજ્ઞા અને રાગવી (ધ રિપોર્ટર એટ પાઠશાળા), શ્રેષ્ઠ લેખક તરીકે તન્મય દુબે (સમર ટાઇમ રેન્ડરિંગ) અને કમાલ કાદરી (ધ રિડલ) વિજેતા બન્યા હતા. નિર્દેશન માટે આદિત્ય કાંબલે (મારી સ્કૂલ) અને આદર્શ કુમાર (અનહિન્જ્ડ) ને જ્યારે શ્રેષ્ઠ અભિનેતા તરીકે સૃષ્ટિ પ્રસાદ (મારી સ્કૂલ) અને ક્રિશ લખ્યાણી (પતા હૈ આજ ક્યા હુઆ) ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં ‘લુનર બર્ડ્સ’ પ્રથમ, ‘બીકન ઓફ લાઈટ’ અને ‘પતા હૈ આજ ક્યા હુઆ’ બીજા ક્રમે, તથા ‘રિપોર્ટર એટ પાઠશાળા’ અને ‘મારી સ્કૂલ’ ત્રીજા ક્રમે વિજેતા રહી હતી.

આ સફળ આયોજનમાં ડૉ. દિવ્યા સોનીની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિભાગના ડાયરેક્ટર્સ, ફેકલ્ટીઝ અને 1000 થી વધુ ફિલ્મપ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *