ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે પ્રેક્ષકોના દિલ જીતવા માટે તૈયાર છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ સામાજિક ડ્રામા, શિક્ષણ પ્રેરિત વાર્તા અને હોરર-થ્રિલર જેવી વૈવિધ્યસભર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ફરી એક વખત લાગણીસભર કહાણી સાથે નવી ફિલ્મ થિયેટરોમાં આવવા તૈયાર છે.
આગામી 30 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ચૌરંગીનું તાજેતરમાં લોન્ચ થયેલું ગીત ‘જબ્બર પ્રેમ’ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યું છે. મહત્વની વાત એ પણ છે કે, આ ગીત પ્રથમ ગુજરાતી સિંગલ ટેક સોંગ છે. આ ગીત જાણીતાં ગાયક કમલેશ બારોટે ગાયું છે. આ ગીતને તિલકવાડા ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં લોકોએ કમલેશ બારોટ અને ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. પ્રેમ અને લાગણીથી ભરપૂર આ ગીત દર્શકોના દિલને સ્પર્શી રહ્યું છે અને ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધુ વધારી છે.આ ફિલ્મ ફનકાર અને દિવ્યતક્ષના બેનર હેઠળ બની છે. તેને વિનોદ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
ફિલ્મનું લેખન વિનોદ પરમાર અને આસિફ અજમેરી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ જીવનની વાસ્તવિક લાગણીઓ, સંબંધોની ઊંડાણ અને પ્રેમના વિવિધ સ્વરૂપોને સ્પર્શવાનો પ્રયાસ કદે છે તેવું જણાય છે.‘ચૌરંગી’ શબ્દનો અર્થ છે ચાર રંગો, અને ફિલ્મ પણ જીવનના આવા જ અલગ-અલગ રંગોને રજૂ કરે છે. ક્યારેક હાસ્ય, ક્યારેક વેદના, તો ક્યારેક નિખાલસ પ્રેમ—આ તમામ ભાવનાઓ ફિલ્મમાં સંવેદનશીલ રીતે ગુંથાયેલી જોવા મળશે. ખાસ કરીને યુવા પેઢી સાથે-સાથે પરિવાર સાથે જોવા જેવી લાગણીસભર ફિલ્મ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ફિલ્મની સ્ટારકાસ્ટ પણ મજબૂત છે. તેમાં, જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. ‘ચૌરંગી’ની સ્ટારકાસ્ટમાં તમને સંજય ગોરડિયા, દિક્ષા જોશી, સોનાલી લેલે, સોહની ભટ્ટ, નિજાલ મોદી, પ્રિયંકા પટેલ, વૈભવ બેનિવાલ, મકરંદ શુક્લ સહિતના ચહેરાઓ જોવા મળશે. ‘જબ્બર પ્રેમ’ ગીતની લોકપ્રિયતા જોતા એવું કહી શકાય કે ફિલ્મ લાગણીસભર પ્રેમકથા સાથે દર્શકોને ભાવનાત્મક રીતે જોડશે. હવે જોવાનું રહ્યું કે થિયેટરોમાં રિલીઝ પછી ચૌરંગી દર્શકોના દિલમાં કેટલો ઊંડો રંગ ભરે છે.