અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન, જાણો ટિકિટના ભાવ અને સમય

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી સુધી ચાલનારો આ શો ભારત એક ગાથા થીમ પર આધારિત છે, જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ, વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને અદ્ભુત સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી દર્શાવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને લોકો માટે ખુલ્લો મુક્યો હતો.

આ વર્ષના ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે. આ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફર રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરી રજૂ કરવામાં આવી છે. આ ફ્લાવર શો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો અને લાંબા સમય સુધી ચાલનારો ફ્લાવર શો હોવાનું કહેવાય છે.

દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ શોની મુલાકાત લે છે, અને આ વર્ષે પણ રેકોર્ડબ્રેક આવકની આયોજકોને અપેક્ષા છે. પાછલા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, જે તેની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.

મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે ‘પ્રાઇમ સ્લોટ’ની પણ વ્યવસ્થા છે. મુલાકાતીઓએ ફલાવર શો નિહાળવો હોય તો તેનો સમય: સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી છે.

Share This Article