અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોટેરા, સાબરમતી અને હવે કુબેરનગર વિસ્તારમાં વિકાસના નામે તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ તળાવની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી AMC દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે તળાવની આસપાસના આશરે 150 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે.
વર્ષોથી આ વિસ્તારમાં રહેતા આર્થિક રીતે પછાત એવા લોકોના ઘર અચાનક તોડી પાડવામાં આવતા નાના ભૂલકાઓ સાથે આખે આખા પરિવારો રખડી પડ્યા છે. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.