અમદાવાદના નરોડા વિધાનસભામાં સરદાર નગર વોર્ડમાં નોબલ નગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે. ત્યારે આજે નોબલનગર વિસ્તારમાં આવેલા અનસુયા નગર, બીડી કામદારનગર, વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ છે.જેના પગલે ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ધક્કા ખવડાવે છે. ગટરો ઉભરાય છે, ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને અમારા છોકરાઓ બીમાર પડી જાય છે. નવી લાઇન નાખવાની માંગ પણ લાંબા સમયથી પડતર છે.સ્થિતિ વણસતા ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા તાત્કાલિક નોબલ નગર ખાતે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે મશીનરી બોલાવીને ડ્રેનેજની સફાઈની કામગીરી શરૂ કરાવી હતી.
