અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં, ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના પૂર્વ વિસ્તારો જેવા કે નહેરૂનગર, શિવરંજની, મેમનગર અને વસ્ત્રાપુરમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડી રાતથી જ અમરેલી જિલ્લાના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે જૂનાગઢમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
નવરાત્રિના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં વરસાદે ફરી એન્ટ્રી કરતા ખેલૈયાઓ સહિત ગરબા આયોજકોમાં પણ ચિંતા વ્યાપી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ એટલે કે, 20થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
