ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 23 થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. છેલ્લી મેચની જેમ આ મેચ પણ રોમાંચક રહેવાની અપેક્ષા છે. 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂ થનારી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ પહેલા, બે મુખ્ય ફાસ્ટ બોલર આકાશ દીપ અને અર્શદીપ સિંહ તેમજ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની ઇજાઓએ ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ બંનેના બહાર થવાની શક્યતા વચ્ચે, પસંદગીકારોએ હરિયાણાના યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજને કવર બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે ઇંગ્લેન્ડ ટીમના કેટલાક ખેલાડીઓની ફિટનેસ અંગે પણ ચિંતા છે.
ઈંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીરને ત્રીજી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટના ત્રીજા દિવસે લોર્ડ્સમાં હાથની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. તેની ગેરહાજરીમાં લિયામ ડોસનને ઈંગ્લેન્ડની 14 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 35 વર્ષીય ખેલાડી જુલાઈ 2017 પછી ઈંગ્લેન્ડ માટે પોતાની પહેલી ટેસ્ટ રમવાની રેસમાં છે.ડાબા હાથનો ઝડપી બોલર અર્શદીપ સિંહ માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ ગુમાવે તેવી શક્યતા છે. 26 વર્ષીય ક્રિકેટરને ગુરુવારે ટ્રેનિંગ સેશન દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. આકાશ દીપ બીજી ટેસ્ટમાં ભારતનો શ્રેષ્ઠ બોલર હતો જ્યાં તેણે કુલ 10 વિકેટ લીધી હતી. પરંતુ બિહારનો આ ક્રિકેટર કમરની ઈજાને કારણે ચોથી ટેસ્ટમાં રમે તેવી શક્યતા નથી. અહેવાલો અનુસાર, આકાશ દીપને કમરની ઈજા થઈ છે.