આજે વહેલી સવારે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખાબક્યા છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાતા તંત્ર સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે.
કારણકે મહીસાગર નદી પર આવેલો આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો. બ્રિજ જર્જરીત હાલતમાં હોવા છતાં વાહનોની અવર જવર માટે બ્રિજ ચાલુ હતો. બ્રિજને સમારકામની જરુરત છતાં સમારકામ કરાયું ન હતું. બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા યોજના ઘડાઈ કરી છે. નવો બ્રિજ મંજૂર થયા હોવા છતા કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ચોમાસું શરુ થતા પૂર્વે પણ કોઈ સતર્કતા દાખવવામાં આવી ન હતી. બ્રિજ જર્જરિત છતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણાં સમયથી બ્રિજ ધ્રુજતો હોવાના આક્ષેપો કરાયા છે. જો કે સતત ફરિયાદો બાદ પણ તંત્રએ ગંભીરતા ન દાખવી હોવાનું સામે આવ્યું છે.
