12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક મુસાફરને બાદ કરતા વિમાનમાં સવાર તમામ મુસાફર અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા. જે પણ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેઓના પરિવારજનો હવે એર ઇન્ડિયા અને વિમાન બનાવતી વિદેશી કંપની બોઇંગ સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પીડિત પરિવારો લંડન અને અમેરિકાની લો ફર્મના સંપર્કમાં છે. જેથી ગમે ત્યારે કેસ દાખલ થઇ શકે છે.પીડિત પરિવાર બ્રિટનની કીસ્ટોન અને અમેરિકાની વાઇઝનર લો ફર્મના સંપર્કમાં છે.
આ બન્ને ફર્મની એક ટીમ મળીને બોઇંગ અને એર ઇન્ડિયાની સામે કેસ દાખલ કરવાની તૈયારીમાં હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં વધુમાં દાવો કરાયો છે કે આ કેસો બ્રિટન અને અમેરિકાની કોર્ટમાં દાખલ થઇ શકે છે. આ કેસ મુખ્ય રીતે વળતરની રકમ વધારવાની માંગને લઈ થઈ શકે છે. કીસ્ટોન લૉના કહેવા મુજબ, તેઓ એર ઈન્ડિયા 171 દુર્ઘટનામાં પરિવારજનો ગુમાવનારાને સલાહ આપવાની પ્રક્રિયામાં છે. સૂત્રો મુજબ આ સપ્તાહે યુકેમાં રહેતા પરિવારોની બેઠક મળશે. જેમાં કાનૂની રણનીતિ પર ચર્ચા થશે. આ બેઠક બાદ આગામી કાર્યવાહી લઈને નિર્ણય લેવામાં આવી શકે છે.