ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની ટ્રમ્પની જાહેરાત, કતારે ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

મધ્ય પૂર્વમાં ૧૨ દિવસના લોહિયાળ સંઘર્ષ પછી, હવે શાંતિની આશા જાગી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (૨૩ જૂન ૨૦૨૫) જાહેરાત કરી હતી કે ઈરાન અને ઇઝરાયલ હવે યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને આગામી ૨૪ કલાકમાં યુદ્ધવિરામ અમલમાં આવશે. જોકે મુસ્લિમ દેશ કતારે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, વાતચીતમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.અલ થાનીએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ માટે તેહરાનની સંમતિ સુનિશ્ચિત કરી.શાંતિ પુનઃસ્થાપિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

મહત્વનું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત અંગે ઈરાન કે ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જેના કારણે આ ક્ષેત્રમાં અચાનક તણાવ વધી ગયો હતો. અમેરિકાના હુમલાનો બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનની તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દીધી હતી.
ત્યારે આ બધાની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

Share This Article