ટ્રમ્પ સરકારનો વધુ એક મોટો નિર્ણય, 12 દેશના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી જાહેર

Chintan Gohil
By Chintan Gohil 2 Min Read

અમેરિકાએ 12 દેશોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે 7 દેશોના લોકો પર આંશિક પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે અન્ય 7 દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આ 12 દેશોના નાગરિકો પર પ્રતિબંધ

અહેવાલ મુજબ, જે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકો હવે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં.

આ ઉપરાંત ટ્રમ્પે અન્ય 7 દેશોથી આવતા લોકો પર પણ પ્રતિબંધ લાદ્યો છે. તેમાં બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા લોકો પર હવે ખાસ શરતો અને કડક ચકાસણી લાગુ પડશે.

અમેરિકા માટે મોટો ખતરો હોવાનું વ્હાઇટ હાઉસે જણાવ્યું

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘોષણા 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ અને મર્યાદા મૂકે છે જેઓ તપાસ અને પરીક્ષણની દ્રષ્ટિએ અપૂરતા હોવાનું જણાયું છે અને જેઓ અમેરિકા માટે મોટો ખતરો હોવાનું માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકનોને ખતરનાક વિદેશી તત્વોથી બચાવવાના તેમના વચનને પૂર્ણ કરી રહ્યા છે જે આપણા દેશમાં આવીને આપણને નુકસાન પહોંચાડવા માંગે છે.

Share This Article