ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની સંભાવના છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી ઝાપટુ પડ્યું હતું. વાદળછાયું વાતાવરણ સર્જાતા શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં હળવો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને બિહારના કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને કરા પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હી અને NCR માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.