સુરતના સારોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે જ્યાં મધ્યપ્રદેશની એક મોડેલ યુવતીએ રુમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય સુખપ્રીત કૌર મોડેલિંગ કરવા માટે ચાર દિવસ પહેલા સુરત આવી હતી. તે સુરતમાં બહેનપણીને ત્યાં રોકાઈ હતી. ત્યારે શુક્રવારે તેનો બેડરૂમમાં આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા સારોલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડેલે આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.
એક દિવસ પહેલા જ વીડિયોકોલ પર પરિવાર સાથે કરી વાત
બીજીબાજુ આપઘાતના સમાચાર સાંભળીને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. સુખપ્રીત અભ્યાસની સાથે મોડલિંગનું કામ કરતી હતી. આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા જ વીડિયોકોલ પર પરિવાર સાથે વાત કરી હતી. સુખપ્રીતને કામના પેમેન્ટ અન્ય કોઈ વ્યક્તિ લઈ જતું હોવાની પરિવારને આશંકા છે. દિલ્હીનો કોઈ યુવક સુખપ્રીતને કામનું જે પેમેન્ટ મળતું હતું તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. આ યુવતી કોઈ લિવઇનમાં રહેતી હોય તે બાબતે પણ પોલીસ તપાસ કરશે. સાથી યુવતીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે મૃતક મોડલનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.