નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG)ની પરીક્ષા આવતીકાલે 4 મે, 2025ના લેવાશે. પરીક્ષામાં બપોરના 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી એમ ત્રણ કલાકનું પેપર રહેશે. જ્યારે સૌપ્રથમવાર સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન કરાયું છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજિત 80 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગત વખતે NEETની પરીક્ષામાં ગેરરીતિનું ગોધરા કનેક્શન નીકળ્યું હતું. ત્યારે આ વખતે પણ નીટ પરીક્ષામાં કરોડો રૂપિયામાં સેટીંગ કરવામાં આવ્યું હોવાની આશંકા વાલીઓએ વ્યક્ત કરી છે. કારણ કે, એજન્ટો દ્વારા 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનો પેતરો રચ્યાની વિગતોનો ઓડિયો લીક થતાં સમગ્ર ઘટના ચર્ચામાં આવી છે. NEETની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે.
NEETની પરીક્ષામાં આ વખતે પણ વચેટિયાઓ સક્રિય થઈ ગયા છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યો સુધી આ વચેટિયાઓનું નેટવર્ક ફેલાયેલું છે. કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની વાલીઓને ગેરંટી અપાઈ છે. આ ઘટના બહાર આવતાં ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે. આ એજન્ટ અને વાલી વચ્ચેની વાતચીતનો ઓડિયો લીક થતાં એવું લાગે છે કે આ વર્ષે પણ NEETની પરીક્ષા નીટ એન્ડ ક્લિન નથી.
રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી કરાઈ ડીલ
રાજકોટમાં રહેતા એક વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો બહાર આવી છે.વચેટિયાએ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વાલીનો સંપર્ક કર્યો હતો. એક વાલી આની ખરાઈ કરવા માટે એજન્ટને મળવા અમદાવાદની સ્કાયલેન્ડ હોટેલમાં ગયા હતા. જ્યાં એજન્ટે નીટમાં વધુ માર્ક લાવવા માટે કેટલા રૂપિયા આપવા અને પછી શું શું કરવાનું તે સમજાવ્યું હતું. એક વિદ્યાર્થીને નીટમાં 650+ માર્ક લાવી આપવા રૂ.75 લાખથી 1 કરોડ કિંમત બતાવી હતી.
આ મામલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય, તેના આધારકાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એજન્ટો આધારકાર્ડ બદલતા હોવાનો દાવો કરાયો. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખવાના. પરીક્ષા પુરી થાય ત્યારબાદ એક જ કલાકમાં OMR ભરીને માર્ક મેળવી શકાય તેવો દાવો કરાય છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ત્યાં સારી હોટેલ, રિસોર્ટમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.