અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે H-1B વિઝા પર લાગતી એક લાખ ડોલરની ફી વધુ એક વર્ષ માટે લંબાવી છે. વર્ષ 2025માં આ ફી અમલમાં આવ્યા બાદ H-1B વિઝા માટેની અરજીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
Americaના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા માટેની 1 લાખ ડોલરની ફીની મુદત વધુ એક વર્ષ માટે વધારી છે. વ્હાઇટ હાઉસે આ માહિતી આપી છે. H-1B વિઝા અમેરિકાનો અસ્થાયી નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા દ્વારા અમેરિકન કંપનીઓ IT, એન્જિનિયરિંગ અને સાયન્સ જેવા વિશેષ ક્ષેત્રોમાં વિદેશી કુશળ પ્રોફેશનલ્સને નોકરી આપી શકે છે.
ટ્રમ્પે H-1B વિઝાની ફીની મુદત વધારી ટ્રમ્પ H-1B વિઝાના કડક ટીકાકારોમાં સામેલ છે. તેમણે શરૂઆતથી જ આ વિઝાની ટીકા કરી છે. અગાઉ તેમણે H-1B વિઝા પરની ફી વધારીને 1 લાખ ડોલર કરી હતી. શરૂઆતમાં આ આદેશ માત્ર એક વર્ષ માટે હતો, પરંતુ હવે તેને વધુ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે. હવે 21 સપ્ટેમ્બર 2027 સુધી H-1B વિઝા માટે 1 લાખ ડોલરની ફી ચૂકવવી પડશે.
વ્હાઇટ હાઉસની સત્તાવાર જાહેરાત અનુસાર, સપ્ટેમ્બર 2025માં લાગુ કરવામાં આવેલા આ કડક નિયમો હવે 21 સપ્ટેમ્બર 2027 સુધી ચાલુ રહેશે. સરકારના અધિકારીઓનું કહેવું છે કે બજારની સ્થિતિમાં હજુ સુધારો થયો નથી અને વિઝા સિસ્ટમના દુરુપયોગને રોકવા માટે આ નિયમોને ચાલુ રાખવા જરૂરી છે.
શું છે નિયમ સાથે જોડાયેલી મુખ્ય બાબતો?
નવા નિર્દેશ હેઠળ જે વિદેશી કર્મચારીઓ આ નિયમના દાયરામાં આવે છે, તેઓ ત્યાં સુધી અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં જ્યાં સુધી તેમની કંપની દ્વારા કરવામાં આવેલી અરજીમાં 1 લાખ ડોલરની મોટી રકમની ચુકવણી સામેલ ન હોય. આ ચુકવણીની શરત એવા કર્મચારીઓ પર લાગુ પડે છે જેઓ અમેરિકાની બહાર સ્થિત છે અને 21 સપ્ટેમ્બર 2026 પછી દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. હોમલેન્ડ સિક્યોરિટી સચિવ પાસે કોઈ વ્યક્તિગત કર્મચારી, કોર્પોરેટ વર્કફોર્સ અથવા સમગ્ર કોમર્શિયલ ક્ષેત્રને આ નિયમમાંથી મુક્તિ આપવાનો વિવેકાધિકાર રહેશે. જોકે, આ છૂટ ત્યારે જ આપવામાં આવી શકે છે જ્યારે તે સાબિત થાય કે સંબંધિત રોજગાર અમેરિકાના રાષ્ટ્રીય હિત માટે મહત્વપૂર્ણ છે અને તેનાથી દેશની સુરક્ષા અથવા કલ્યાણને કોઈ ખતરો નથી.
અમેરિકન પ્રશાસનનું કહેવું છે કે થર્ડ પાર્ટી સ્ટાફિંગ એજન્સીઓ અને IT આઉટસોર્સિંગ પ્રોવાઇડર્સે લાંબા સમયથી સસ્તા વિદેશી ટેલેન્ટની મદદથી અમેરિકન કર્મચારીઓને બદલવા માટે વિઝા નિયમોનો દુરુપયોગ કર્યો છે.
સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2025ની જાહેરાતમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે H-1B વિઝા પ્રોગ્રામ અમેરિકામાં ઉચ્ચ કુશળતાવાળા કામ માટે અસ્થાયી કર્મચારીઓને લાવવા માટે બનાવવામાં આવ્યો હતો. જોકે, તેનો ઉપયોગ ઓછા પગારવાળા કામદારોની મદદથી અમેરિકન કર્મચારીઓને વિસ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો છે.
IT સ્ટાફિંગ અને આઉટસોર્સિંગ કંપનીઓ સહિત કેટલાક નોકરીદાતાઓએ પગાર ઘટાડવા માટે સિસ્ટમનો દુરુપયોગ કર્યો હોવાનો સરકારનો દાવો છે. આવી કંપનીઓ મોટી સંખ્યામાં એન્ટ્રી-લેવલ H-1B કર્મચારીઓને કામ પર રાખતી હોવાનું જણાયું છે, જેમનો પગાર ફુલ-ટાઇમ પરંપરાગત કર્મચારીઓની સરખામણીએ ઘણો ઓછો હતો. સરકારનું કહેવું છે કે, તેના કારણે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં અમેરિકન કર્મચારીઓ અને તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાનો માટે નોકરી મેળવવી મુશ્કેલ બની છે.
