અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હોલ અને પાર્ટી પ્લોટના બુકિંગને લઈને મહત્વનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. લગ્ન પ્રસંગે AMCનો હોલ બુક કરાવવા માટે હવે આમંત્રણ પત્રિકા રજૂ કરવાની જરૂર નહીં રહે. માત્ર વર-વધૂ તથા તેમના માતા-પિતાના આધાર કાર્ડના આધારે હોલનું બુકિંગ કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી છે.
AMC સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠકમાં શહેરના હોલ, પાર્ટી પ્લોટ અને સ્ટ્રીટ લાઇટ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે આ અંગે માહિતી આપી હતી.
લગ્ન માટે AMC હોલ બુક કરાવવામાં હવે સરળતા
હાલમાં AMCના હોલમાં લગ્ન પ્રસંગ માટે બુકિંગ કરાવતા સમયે વર-વધૂના આધાર કાર્ડ ઉપરાંત તેમના માતા-પિતાના આધાર કાર્ડ અને લગ્નની આમંત્રણ પત્રિકા પણ માંગવામાં આવતી હતી. જેના કારણે નાગરિકોને બુકિંગ પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હતી.
હવે આ પ્રક્રિયા સરળ બનાવવા માટે આમંત્રણ પત્રિકા માંગવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. લગ્ન પ્રસંગ માટે હોલ બુક કરાવવા માટે વર-વધૂ તથા તેમના માતા-પિતાના આધાર કાર્ડના આધારે બુકિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
AMC હોલના ડેકોરેશન માટે નવી પોલિસીની તૈયારી
AMCના હોલ અને પાર્ટી પ્લોટના ડેકોરેશનને લઈને પણ નવી પોલિસી લાવવાની વિચારણા કરવામાં આવી છે.
વર્ષ 2018 પહેલાં AMCના હોલમાં લગ્ન સહિતના પ્રસંગો માટે ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવતી હતી. આ કોન્ટ્રાક્ટરો હોલની સારસંભાળ, સુરક્ષા, મેઇન્ટેનન્સ અને વીજળી સહિતના ખર્ચ સંભાળતા હતા અને તેના બદલામાં હોલમાં યોજાતા પ્રસંગોનું ડેકોરેશન કરતા હતા.
આ વ્યવસ્થાથી AMCને આશરે વાર્ષિક રૂ. 10 કરોડની આવક થતી હતી. જોકે, વર્ષ 2018થી આ ડેકોરેશન કોન્ટ્રાક્ટની વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી.
હાલમાં AMCના હોલ અને પાર્ટી પ્લોટમાં સિક્યોરિટી, લાઇટ, ઇજનેર અને સફાઈ સહિતની વિવિધ કામગીરી પાછળ આશરે રૂ. 40 કરોડનો વાર્ષિક ખર્ચ થતો હોવાનું જણાવાયું છે.
હવે AMC અને નાગરિકો બંનેને લાભ થાય તે માટે ડેકોરેશનની નવી પોલિસી તૈયાર કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે ત્રણ પ્રકારના ડેકોરેશન પેકેજ તૈયાર કરવાની વિચારણા છે.
ફરિયાદની રાહ જોયા વગર બદલાશે સ્ટ્રીટ લાઇટ
અમદાવાદની સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરવાની દિશામાં AMC આગળ વધી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં આશરે 2.10 લાખ સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવી છે. હાલમાં ઘણી સ્ટ્રીટ લાઇટ ધીમી અથવા પીળી પડી ગયા બાદ નાગરિકોની ફરિયાદ મળે ત્યારે તેને બદલવામાં આવે છે.
આ વ્યવસ્થામાં સુધારો કરવા માટે સ્ટ્રીટ લાઇટના પોલ ક્યારે લગાવવામાં આવ્યા, તેમની આયુષ્ય અવધિ કેટલી છે અને કેટલા સમય બાદ લાઇટ બદલવાની જરૂર પડે છે તેની માહિતી એકત્રિત કરવા સૂચના આપવામાં આવી છે.
Auto-Mode સિસ્ટમથી સમયસર સ્ટ્રીટ લાઇટ બદલાશે
આગામી સમયમાં Schedule of Maintenanceના આધારે શહેરની સ્ટ્રીટ લાઇટ્સ તબક્કાવાર બદલવાની વિચારણા છે.
લાઇટ સંપૂર્ણપણે ખરાબ થાય અથવા નાગરિકોની ફરિયાદ આવે તેની રાહ જોયા વગર, પ્રકાશ ઓછો થાય તે પહેલાં જ લાઇટ બદલવા માટે Auto-Mode System વિકસાવવાની શક્યતા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.
આ વ્યવસ્થા અમલમાં આવે તો અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની જાળવણી વધુ આયોજનબદ્ધ બની શકે છે અને નાગરિકોને અંધારી કે ઓછી રોશનીવાળી સ્ટ્રીટ લાઇટ અંગે ફરિયાદ કરવાની જરૂરિયાત ઘટી શકે છે.
ટૂંકમાં મોટા નિર્ણયો
- લગ્ન માટે AMC હોલ બુકિંગમાં આમંત્રણ પત્રિકાની જરૂર નહીં
- વર-વધૂ અને માતા-પિતાના આધાર કાર્ડથી બુકિંગ
- હોલ-પાર્ટી પ્લોટ માટે નવી ડેકોરેશન પોલિસી
- ડેકોરેશન માટે 3 પ્રકારના પેકેજ બનાવવાની તૈયારી
- અમદાવાદની આશરે 2.10 લાખ સ્ટ્રીટ લાઇટ્સનું શિડ્યુલ મુજબ મેન્ટેનન્સ
- ફરિયાદ પહેલાં જ લાઇટ બદલવા Auto-Mode System અંગે વિચારણા
