ઓસ્કાર વિજેતા અને વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન હાલમાં એક વિવાદાસ્પદ નિવેદનને કારણે સમાચારમાં છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કથિત સાંપ્રદાયિક ભેદભાવ અંગેની તેમની તાજેતરની ટિપ્પણીઓએ ઘણો વિવાદ ઉભો કર્યો હતો. જોકે આ મામલે વિવાદ વધતા હવે રહેમાને આગળ આવીને આ બાબતનો ખુલાસો કર્યો છે.
એઆર રહેમાને કહ્યું કે, મારા માટે સંગીત લોકો તથા સંસ્કૃતિ સાથે જોડાવવાનું માધ્યમ રહ્યું છે. ભારત મારું ઘર જ નહીં, મારી પ્રેરણા અને ગુરુ પણ છે. મારો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. મને ભારતીય હોવા પર ગર્વ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતે જ મને તે મંચ આપ્યો જેના પર હું મારી રચનાત્મકતા સ્વતંત્રતા સાથે દુનિયાને બતાવી શક્યો. ભારતે હંમેશા મને પ્રેરિત કર્યો છે. મેં ભારતમાં સિક્રેટ માઉન્ટેન નામના દેશના પ્રથમ મલ્ટીકલ્ચરલ વર્ચ્યુઅલ બેન્ડની સ્થાપના કરી છે. મેં જલા પ્રોજેક્ટમાં કામ કર્યું, નાગા સંગીતકારો સાથે મળીને સ્ટ્રિંગ ઓરકેસ્ટ્રા બનાવ્યું, સનશાઈન ઓરકેસ્ટ્રાને મેન્ટર કર્યું. સંગીત હંમેશા લોકોને જોડવા તથા સાંસ્કૃતિક ધરોહરનું સન્માન કરવાનું માધ્યમ રહ્યું છે.
જાણો શું હતો વિવાદ ?
એ.આર. રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતા વિવાદ ઊભો થયો હતો. તેમણે કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી તેમને કામ નથી મળ્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઈન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આ બધુ સીધું જ મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે.