કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નવા નિયમ અનુસાર, જો તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે જમા કરવામાં આવે, તો ભારતના વિઝા હવે માત્ર એક દિવસમાં મળી શકશે. આ ઉપરાંત, મુસાફરોને હવે એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ પણ મળી જશે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે. આ સાથે કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ સમય રોકાનારા વિદેશીઓ પર નજર રાખવાની કામગીરીને મજબૂત કરવા માટે બે નવા પોર્ટલ જિલ્લા પોલીસ મોડ્યુલ (DPM) અને વિદેશી ઓળખ પોર્ટલ (એફઆઈપી) શરૂ કર્યા છે.
એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ
ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન સંબંધિત ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ, પૂર્વ-ચકાસાયેલ મુસાફરો માત્ર એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકે છે. આ સુવિધા ટૂંક સમયમાં કોઝિકોડ, લખનઉ, તિરુવનંતપુરમ, અમૃતસર, તિરુચિરાપલ્લી, નોઇડા અને નવી મુંબઈ એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે.
