યુઝવેન્દ્ર ચહલે થોડા સમય પહેલા ધનશ્રી સાથે છૂટાછેડા લીધા હતા. હવે ટીમ ઈન્ડિયાના આ સ્પિનરે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે તેના સંબંધોને લઈને એટલો તણાવમાં હતો કે એક સમયે તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું.
તેણે આ લગ્નમાં થયેલી ભૂલો વિશે જણાવ્યું હતું કે, ‘જ્યારે આ વર્ષની શરૂઆતમાં મારા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો અને છૂટાછેડાની અફવાઓ તેજ થઈ, ત્યારે હું માનસિક તણાવમાંથી પસાર થયો હતો. મને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.’
એક ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને પૂછવામાં આવ્યું કે ‘શું તે ફક્ત દેખાડો કરી રહ્યા હતો? જવાબમાં યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, ‘સંબંધ એક કરાર જેવો છે. જો એક ગુસ્સે હોય, તો બીજાએ સાંભળવું પડે છે. ક્યારેક બે લોકોના સ્વભાવ મેળ ખાતા નથી. હું ભારત માટે મેચ રમી રહ્યો હતો, તે પણ પોતાનું કામ કરી રહી હતી. આ 1-2 વર્ષથી ચાલી રહ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાનો નિર્ણય 20મી માર્ચ 2025ના રોજ મુંબઈની બાંદ્રા હાઈકોર્ટમાં આવ્યો હતો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ચહલ અને ધનશ્રીએ 22મી ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. ચહલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ચહલે ભારત માટે છેલ્લી મેચ જાન્યુઆરી 2023માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.