રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની (Digital Arrest) ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાંથી સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે. ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડ પડાવવામાં આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. આરોપીઓએ મહિલા તબીબને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવીની ધમકી આપી હતી અને 35 જેટલા બેંક એકાઉન્ટ 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ મહિલા તબીબનું ઘર, ઘરેણા, FD, શેર સર્ટિફિકેટ વેચાવી રૂપિયા પડાવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ ફ્રોડનું કનેક્શન કંબોડિયા (Cambodia) ખાતેનું તપાસમાં સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમ પોલીસે (Cyber Crime Police) એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી એક કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી તેની ધરપકડ કરી છે. રત્ન કલાકાર લાલજીએ પાચ ટકા કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરિતોને તેનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું. જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. ગુજરાતમાં 19 કરોડની રકમ પડાવાયાનો સૌથી મોટો અને લાંબો સમય ડિજિટલ એરેસ્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો છે.