12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં પ્રાથમિક તપાસનો રિપોર્ટરિલીઝ કરવામાં આવ્યો છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂને અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેનો પોતાનો પ્રાથમિક અહેવાલ રિલીઝ કર્યો છે.
આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, એર ઈન્ડિયાનું વિમાન (AI171) ટેકઓફ થયાની માત્ર 32 સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગયું હતું. જેમાં પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત પ્લેનમાં સવાર 241 લોકોના મોત થઈ ગયા હતા. હવે તપાસ અહેવાલમાં એ વાત સામે આવી છે કે ટેકઓફ થયા પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો.
કૉકપિટ વૉઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજાને પૂછે છે કે, ‘તમે ફ્યુલ કટઑફ કેમ કર્યું?’ જવાબમાં બીજો પાયલટ કહે છે કે, ‘મેં તો કંઈ નથી કર્યું’ આ સંવાદ જણાવે છે કે, કૉકપિટમાં ત્યારે ભારે મૂંઝવણ હતી. તપાસમાં જાણ થઈ કે, એન્જિન 1ના ફ્યૂલ કટઑફ બાદ રિકવરી સંકેત આપવામાં આવ્યા હતા. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરીથી વધવા લાગી હતી, પરંતુ આ વિમાનને બચાવવા માટે પૂરતું નહતું. EAFR ડેટા અનુસાર, બંને એન્જિનના N2 મૂલ્યો ન્યૂનતમ નિષ્ક્રિય ગતિથી નીચે આવી ગયા, અને લગભગ 08:08:47 UTC પર RAT (રેમ એર ટર્બાઈન)નો હાઈડ્રોલિક પંપ શરૂ થયો અને હાઈડ્રોલિક પાવર સપ્લાય કરવાનું શરૂ કર્યું. વિમાન 32 સેકન્ડ સુધી હવામાં રહ્યું, ત્યારબાદ તે રનવેથી 0.9 નોટિકલ માઈલ દૂર એક હોસ્ટેલ સાથે અથડાયું અને તૂટી પડ્યું હતું.