દેશનાં નાનાં-મોટાં શહેરોમાં કૂતરાં પાળવાનું ચલણ વધતું જાય છે. જોકે પાળતુ કૂતરાના ત્રાસના લીધે સોસાયટીઓ અને ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાળતુ કૂતરા ચાર મહિનાની બાળકીને બચકાં ભરતાં તેને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની ટીમે બાળકીને મૃત જાહેર કરી હતી. કૂતરાનો આ હુમલો કરનારો વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે એક યુવતી તેના પાલતુ કૂતરાને લઈને બહાર નીકળી હતી. ખાસ વાત તો એ કે, યુવતી ફોન પર વાત કરી રહી હતી અને તે દરમિયાન કૂતરું તેના હાથમાંથી છૂટી ગયું અને સામે રમી રહેલ બાળકી પર હુમલો કર્યો.આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
કૂતરાના માલિક સામે ફોજદારી ગુનો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી વિભાગની ટીમે, કૂતરાને પાંજરે બંધ કર્યો છે અને કૂતરાના માલિક સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. રોટવિલર, પીટબુલ, પામેરિયન, જર્મન શેફર્ડ અને ડોબરમેન જેવી આક્રમક બ્રીડના શ્વાનો અગ્રેસિવ હોય છે. આ પ્રકારના શ્વાનોને પાળવા માટે સાવધાની રાખવી જરૂરી છે.
આક્રમક શ્વાનોને ખાસ તાલીમ આપવી જરૂરી
વેટરનિટી ડોકટરો કહે છે કે, આક્રમક શ્વાનના માલિકોએ યોગ્ય તાલીમ આપવી જોઈએ અને આક્રમકતા વધારે હોય તો ડોકટર પાસે જવું જોઈએ. જે પહેલીવાર શ્વાન લાવતા હોય એમને એગ્રેસિવ શ્વાન ના લાવવા જોઈએ. આક્રમક શ્વાનોના માલિકોએ આ શ્વાનોને ‘Proper Training’ આપવી જોઈએ અને ‘Behaviorologist’ની મદદ લેવી જોઈએ.