દેશભરમાં આજથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રાનો પ્રારંભ ગુજરાતમાં પણ થઈ ચૂક્યો છે અને અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી અને જવાનોની સિદ્ધીઓ લોકોને સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13થી 23 મે સુધી દેશભરમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા કાઢવામાં આવશે.
અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ રાષ્ટ્રહિત અને દેશની એકતાની યાત્રા છે. આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે. સેનાના જવાનો માતૃભૂમિની રક્ષા કરવા માટે 24 કલાક ખડેપગ ઉભા છે. ભારતે આતંકવાદનો બદલો લીધો છે અને પાકિસ્તાન યોગ્ય જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી 13થી 23 મે દરમિયાન દેશભરમાં ‘તિરંગા યાત્રા’ કાઢવા જઈ રહી છે. આ 10 દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસનો ઉદ્દેશ્ય તાજેતરમાં સફળ થયેલા ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે. આ તિરંગા યાત્રા દ્વારા ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા વરિષ્ઠ પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.