ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હુમલો કર્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં અને આતંકવાદીઓ પાસેથી બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. ૭ મેના રોજ ભારતીય સેનાની બે મહિલા અધિકારીઓ દેશની સામે આવી અને આ સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી. આ સાથે ભારતે એ સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે ભારતની બહાદુર દીકરીઓ ફક્ત સરહદોનું રક્ષણ જ નથી કરી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો અવાજ પણ બની રહી છે.ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા. આ બંને મહિલા અધિકારીએ ‘Operation Sindoor” અંગે દેશ અને પત્રકારો સામે સમગ્ર વિગત રજૂ કરી.
https://x.com/ANI/status/1919991875525870078
બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેના પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી. આ બે મહિલા અધિકારીઓની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે, અને દરેક ભારતીય તેમની પ્રશંસા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આ બે અધિકારીઓ કોણ છે.
https://x.com/SpokespersonMoD/status/1236570009691799552
કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે, જે જુસ્સા, મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે. ૩૫ વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે, જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.વર્ષ 2016 માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બન્યા હતા અને તેનું નેતૃત્વ પણ કર્યું. એટલું જ નહીં, ગુજરાતના સોફિયા કુરેશી એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને તેમની પાસે બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી પણ છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
વર્ષ 1981માં ગુજરાતના વડોદરામાં જન્મેલા સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ વર્ષ 1999માં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. તેઓ સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના સંદેશાવ્યવહાર અને માહિતી પ્રણાલી માટે જવાબદાર છે.વર્ષ 2006 માં, તેમને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 6 વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને પીસકીપિંગ ટ્રેનિંગ ગ્રુપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે. તેમનો સેના સાથે જૂનો સંબંધ છે. તેમના દાદા સેનામાં હતા અને તેના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ઓફિસર છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપે છે. 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડરોમાંના એક માનવામાં આવે છે. જેમને લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ છે.
આ ઉપરાંત વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ચિત્તા, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં પણ કુશળતા ધરાવે છે. વાયુસેનામાં જોડાયાના 13 વર્ષ પછી વ્યોમિકા સિંહને વિંગ કમાન્ડરનું પદ મળ્યું અને 18 ડિસેમ્બર 2017 ના રોજ તેઓ વિંગ કમાન્ડર બન્યા. તેમની પાસે હાલમાં 2,500 કલાક ઉડાનનો અનુભવ છે, જે તેમને સૌથી સક્ષમ બનાવે છે.
વ્યોમિકા સિંહને 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે 21મા SSC (મહિલા) ફ્લાઈંગ પાયલટ કોર્સ હેઠળ તાલીમ મેળવી હતી. આ શોર્ટ સર્વિસ કમિશન કોર્સ છે જે ખાસ કરીને મહિલા અધિકારીઓ માટે જ બનાવવામાં આવ્યો છે. વ્યોમિકા સિંહે અનેક બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની ઓપરેશનલ ભૂમિકા ઉપરાંત, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઉચ્ચ સહનશક્તિ મિશનમાં પણ ભાગ લીધો છે. 2021માં, તે 21,650 ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ મણિરંગ પર ત્રિ-સેવાઓની મહિલા પર્વતારોહણ અભિયાનમાં જોડાયા હતા. આ પ્રયાસને વાયુસેનાના વડા સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ માન્યતા આપી હતી.