જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ ઘટનાને પગલે અમરેલી પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ SOGએ ધારીના હિમખીમડીપરા વિસ્તારના એક મદ્રેસામાં ભણાવતા મૌલાના મહંમદ ફઝલ અબ્દુલ અઝિઝ શેખની શંકાસ્પદ પ્રવૃત્તિઓના આધારે અટકાયત કરી હતી. મૌલવી મહંમદ ફઝલ શેખ પાસેથી મોબાઇલ ફોન, આધારકાર્ડ, પાસપોર્ટ સહિત અન્ય પુરાવાઓ એકત્ર કરીને મૌલાનાનું કનેક્શન આતંકવાદી સંગઠનો અથવા તો ભાંગફોડીયા તત્વો સાથે છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે.
મૌલાનાના ફોનમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળ્યા
ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. પરિણામે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી)એ ખાનગી રાહે તપાસ કરતા માહિતી મળી હતી કે, હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ છેલ્લા ઘણા સમયથી અહીં આવ્યા છે અને તેમની હીલચાલ શંકાસ્પદ છે.
મદરેસા એ દિન મહમ્મદીમાં મૌલવી તરીકે રહેતા મહમદ ફઝલ શેખના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે.
મૌલાનાનો મોબાઇલ કબજે કરીને તેને તપાસ માટે પોલીસે મોકલી આપ્યો છે. વધુમાં મૌલાનાના આધારકાર્ડ મુજબ તે અમદાવાદના જુહાપુરાનો વતની હોવાનું સ્વયમ જણાવી રહ્યો છે. પોલીસે મૌલાના પાસેથી આધારકાર્ડ, પાસપોર્ટ સહિત અન્ય દસ્તાવેજો અને મૌલાના પાસે રહેલો મોબાઈલ જપ્ત કરીને તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.