દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી, યુપી, હરિયાણામાં ભરઉનાળે વરસાદ વરસ્યો છે. દિલ્હીમાં વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં એક તરફ ઉનાળો બરોબર જામી ચુક્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ચામાસા જેવો માહોલ પણ સર્જાયો છે. એક તરફ હીટવેવ તો બીજી તરફ ગાજવીજ સાથે પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
3 થી 7 મે દરમિયાન પડશે વરસાદ
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, કાળઝાળ ગરમી બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી છે. 3 થી 7 મે દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી ત્રણ-ચાર દિવસમાં વરસાદ પડી શકે છે. જેના કારણે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.