આજથી મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ તારીખથી જ દેશમાં અનેક પ્રકારના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. આમાં ATM ચાર્જ, રેલ્વે ટિકિટ નિયમો, બેંક રજાઓ, FD વ્યાજ દર અને અમુલ દૂધના ભાવમાં વધારો જેવા મહત્વપૂર્ણ ફેરફારો શામેલ છે.
ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા
1મે 2025 થી, જો તમે રોકડ ઉપાડવા માટે ATM મશીનનો ઉપયોગ કરો છો, તો તમારે વધુ ચાર્જ ચૂકવવો પડશે. જો ગ્રાહકો તેમના હોમ બેંકના એટીએમને બદલે અન્ય નેટવર્ક બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો તેમને દરેક વ્યવહાર માટે 17 રૂપિયાને બદલે 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, જો કોઈપણ અન્ય બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા પર 6 રૂપિયાને બદલે 7 રૂપિયાનો ચાર્જ લાગશે.
રેલ્વેના નિયમોમાં પણ ફેરફાર
રેલ્વેના નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે માન્ય રહેશે. એટલે કે જો તમારી પાસે વેઇટિંગ ટિકિટ છે તો તમે સ્લીપર કોચમાં મુસાફરી નહીં કરી શકો. મુસાફરી કરતા પકડાઈ જાવો તો ટ્રેન ટિકિટ પરીક્ષક (ટી.ટી.) તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા દંડ ફટકારી શકે છે. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો
અમુલે દૂધના ભાવમાં વધારો (Amul Milk Price Hike) જાહેર કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદનોના નવા દર આજથી એટલે કે 1 મે 2025 થી અમલમાં આવ્યા છે. અમૂલના જણાવ્યા અનુસાર, દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.