આજે ગુજરાત સહિત દેશભરમાં પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સનાતન ઘર્મમાં પરશુરામ જયંતીનું વિશેષ મહત્વ છે. ભગવાન પરશુરામ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. અને તે ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન પરશુરામનો જન્મ માતા રેણુકા અને ઋષિ જમદગ્નિના ઘરે પ્રદોષ કાળમાં થયો હતો. ત્યારે ભગવાન પરશુરામ જયંતીની ઉજવણીને લઈ વિવિધ વિસ્તારોમાં સનાતની લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
સુરતમાં પરશુરામ જયંતીની ઉજવણી દરમિયાન પહલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વહેલી સવારથી જ કાર્યક્રમની શરૂઆત થઈ. પરશુરામદાદાની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભક્તોએ શ્રૃંગાર દર્શનનો લાભ લીધો. ભૂદેવો દ્વારા વિષ્ણુસહસ્ત્ર સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા. અન્ય ભાવિક ભક્તોએ પણ દર્શનનો લાભ લીધો. સમૂહ આરતી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું.